Tuesday, August 14, 2012

તને ડાકણ નહિ કહું, મા




તારું ધાવણ મારો અમીઝરો
મા, તને ડાકણ નહિ કહું.
માફ કરી દઈશ એમને તને તરછોડીને ચાલ્યા ગયા ડોલરીયા દેશમાં
એમના શ્વેત  ધવલ સૂટની, ચમકતા બૂટની, લગીરે  ઈર્ષ્યા નહીં કરું.
વ્હાઈટ હાઉસની શીતળ છાયા  એમને મુબારક.
સાદ પડશે તારો પહેલો હોંકારો હું દઈશ
ભૂલી જઈશ માથે મેલું ઊંચકતી મારી ગર્ભવતી પત્નીને.
ઓતરાચીતરાના તાપમાં વાંકો વળીને ખેતરો ખૂંદતા  મારા બાપને.
માથે અત્યાચારોની સગડી લઈને હિજરત કરતાં મારા બાંધવોને.
ભૂલી જઈશ સઘળું, નહિ ઉચ્ચારું એકેય હરફ
તારી લાજ લાખેણી મા.
વિસ્થાપિત થઈશ જંગલો ને ખીણોમાં, શહેરની સડકો પર.
બાંધવા દઈશ એમને મારી છાતી પર
સરદાર સરોવરો ને શોપિંગ સેન્ટરો.એમ્યુઝમેન્ટ પાર્કો ને અભયારણ્યો
તને ઓછું આવવા નહિ દઉં , મા.
ભલે તેં દગોવંચો કર્યો મારી ને એની વચ્ચે.
એ મારો ભાઈ, મારો બાપ,મારો માલિક, મારો અન્નદાતા,
એનું ખાસડું મારા મોઢામાં.
એના મૂત્તરે  ઝળહળો તારાં સચિવાલયો,સંસદો ને સર્વોચ્ચ અદાલતો
યાવત્ચંદ્રદિવાકરો.
હું ચડીશ દરેક કારગીલ જંગમાં
દેશભક્તિના ક્રોસ પર
તારી ધૂળને મારા અછૂત લોહીની સલામ!
મા, તને ક્યારેય ડાકણ નહિ કહું?