Mashal :Gujarati Dalit Poetry by Raju Solanki
રાજુ સોલંકી ; ગુજરાતી દલિત કવિતા
Thursday, October 11, 2012
Tuesday, August 14, 2012
તને ડાકણ નહિ કહું, મા
તારું ધાવણ મારો અમીઝરો
મા, તને ડાકણ નહિ કહું.
માફ કરી દઈશ એમને તને
તરછોડીને ચાલ્યા ગયા ડોલરીયા દેશમાં
એમના શ્વેત ધવલ સૂટની, ચમકતા બૂટની, લગીરે ઈર્ષ્યા નહીં કરું.
વ્હાઈટ હાઉસની શીતળ છાયા એમને મુબારક.
સાદ પડશે તારો પહેલો
હોંકારો હું દઈશ
ભૂલી જઈશ માથે મેલું
ઊંચકતી મારી ગર્ભવતી પત્નીને.
ઓતરાચીતરાના તાપમાં વાંકો
વળીને ખેતરો ખૂંદતા મારા બાપને.
માથે અત્યાચારોની સગડી
લઈને હિજરત કરતાં મારા બાંધવોને.
ભૂલી જઈશ સઘળું, નહિ
ઉચ્ચારું એકેય હરફ
તારી લાજ લાખેણી મા.
વિસ્થાપિત થઈશ જંગલો ને
ખીણોમાં, શહેરની સડકો પર.
બાંધવા દઈશ એમને મારી
છાતી પર
સરદાર સરોવરો ને શોપિંગ
સેન્ટરો.એમ્યુઝમેન્ટ પાર્કો ને અભયારણ્યો
તને ઓછું આવવા નહિ દઉં ,
મા.
ભલે તેં દગોવંચો કર્યો
મારી ને એની વચ્ચે.
એ મારો ભાઈ, મારો બાપ,મારો
માલિક, મારો અન્નદાતા,
એનું ખાસડું મારા
મોઢામાં.
એના મૂત્તરે ઝળહળો તારાં સચિવાલયો,સંસદો ને સર્વોચ્ચ અદાલતો
યાવત્ચંદ્રદિવાકરો.
હું ચડીશ દરેક કારગીલ
જંગમાં
દેશભક્તિના ક્રોસ પર
તારી ધૂળને મારા અછૂત
લોહીની સલામ!
મા, તને ક્યારેય ડાકણ નહિ
કહું?
Friday, January 6, 2012
વાડો
એણે વર્ષોથી
વાડામાં જીવવાની
મને ફરજ પાડી છે
મેં કદી એનો વિરોધ નહોતો કર્યો
આજે સમયના શિલાલેખ પર
મારી ઉચ્છૃંખલ અભિવ્યક્તિઓ આલેખતી જોઈને
એ કહે છે, ‘તારી કવિતા એક વાડો છે’
હું અપલક નજરે
એના ચહેરા પર વિસ્તરેલા
થોરનાં ઝુંડ નિહાળું છું.
થાય છે:
કમસે કમ હું રણ હોત
તો એનો ઉચ્છવાસ મને આટલો દઝાડી ન શકત.
ને વાંઝણીનાં મૃગજળ
મારી કૂખમાં ઉગાડી શકત
અથવા તો ઝેરી દુર્ગંધયુક્ત દૂધ હોત
એની નસોમાં બેરોકટોક વહી શકત અનંતકાળ લગી
ને બધાંનું લોહી લાલ હોવાના
ક્ષણભંગુર પુરાવા ઉભા કરવાની માથાકૂટમાંથી બચી શકત.
પણ હું બન્યો માણસ
ઉન્નત મસ્તક
આકાશ અને પૃથ્વી વચ્ચે ફેલાયેલા
શૂન્યાવકાશને ચીરતો અવાજ
જેના રુદનથી એ ભય પામ્યો
ને હાસ્યથી ક્ષોભ
વાડાબંધી સામેની મારી લડતને
એ પડકાર સમજ્યો પોતાના અસ્તિત્વ સામેનો
ને ફરી મને વાડામાં પૂર્યો
થોરનાં ઝુંડ સાફ કરવા ઉઠેલા મારા હાથને
હવે હું કેમ કરીને કહું,’ માણસને ખાતર તું જરા થોભ?’
નગર
નગર !
ભણ્યુંગણ્યું
ભર્યું ભેજામાં ભૂતકાળનું ભૂસું
વિસરી બેઠું વર્તમાનને.
હવે ભવિષ્યનો નિરક્ષર ખવીસ
વાંચે છે આ નગરને
સૂંઘે છે ક્યાં મળે માણસની બોટી.
કોટની રાંગેરાંગે
પોલ.શેરી,મહોલ્લાના પ્રાંગણે
ભમતો ખવીસ નગરમાં
ઝરૂખે બેઠું તર્કનું પોટલું
બુદ્ધિ બારસાખે
કમાડ બંધ
મગજ અંધ
ક્યાં મળે માણસની બોટી?
પૂછે ખવીસ.
હવા નિરુત્તર
સાક્ષર બેખબર
ચર્ચે પર્યાવરણ
લઠ્ઠા,જુગાર,હજારના જામે ભારણ,
નાત મસ્તક નગર,
ધૂળ ખાતા પુસ્તક જેવું
હતપ્રભ નગર
વીર્યહીન વૃષભ જેવું
સંવેદના ગરબા ગાતી ગુર્જરી
ઊજવે રોજ નરમાંસની ધૂળેટી .
એકલવાયો વિદૂષક
નાટકના કરૂણ અંતની રાહ દેખે
પોતડીભર
કરૂણાસભર
ચાર રસ્તાવચ્ચે
દૂધ,દહીં,અબીલ, ગુલાલ
કદીક સૂતરની આંટી
મહાજન સંસ્કૃતિની ઉત્કૃષ્ઠ પ્રણાલિકા?
હા,દરિદ્રનારાયણની દંભી વૈતાલિકા!
એકલપેટો નગરશ્રેષ્ઠી
આરોગે વિષ્ઠા વ્યાપારની,
અહિંસાપ્રચારની
ધર્મવિચારની ,
પ્રબુદ્ધ જનની,
સવિશેષ ધનની.
રે, ધન્ય નથી બની ગુર્જરજનની.
પિત્તળ સવર્ણ માણસ,
વિદ્યાધરોની સટ્ટાબાજી
વિદ્યાપીઠોમાં પ્રપંચની પટ્ટાબાજી.
સરસ્વતી સ્તબ્ધ.
જાણે છે ખવીસ
દફન થયા છે દરવેશ.
વિદ્યાના શ્વેત ભાલે અહીં ચોપડાઇ ચૂકી છે મેંશ.
એવોર્ડ,ઇનામ,સલામ
સાક્ષરતા હલાલ
કલદારના કમીના કલાલ.
મુક્ત કલમ?
સ્વતંત્રતાનું કિલ્લોલતું પંખી?
ના, શાસકોની આઝાદીના ગાન,
એ જ મુક્તિનું ગનાન,
બસ,ટાઢુંબોળ સનાન...
ખવીસ કેડી સાફ કરીને
નગરના માથે નચાવે ટેંકોને
બખતરીયા ગાડી,
બંદૂકધારી,
ફૂલમાળા
સ્વાગત હો !
અપૂર્વ શાંતિના ચાહક હો!
બેયોનેટની આં
નગરને આપે શાણપણની પિછાણ
બુદ્ધિ બારસાખે
કમાડ બંધ
મગજ અંધ
સત્તાની સર્વવ્યાપી ગંદી ગંધ
થથરતા પારેવા જેવું દિલ ખોબામાં પકડી
નગર પંપાળે ઢીલું વીલું પૌરુષત્વ
ધોતીયા,સુટ,બુટ,સફારી ,બંડી
બેફીકરા,ઘમંડી.
ચૂપબસ,ચૂપ.
વાંચો અખબાર,વિચારો નહીં.
ટટ્ટી કરો, પેશાબ નહીં.
ને દબાવેલી સ્પ્રીંગ ઊછળતી .
ઉપડે હાથ પથ્થર લેવા
દોડે પગ રક્ષણ લેવા
ઝંખે મન ઊંઘ લેવા.
પણ ક્યાંય નથી જળ ને ઉઠે કેમ તરંગ?
ક્યાંય નથી જમીન ને ફૂટે કેમ સુરંગ?
રંગીન તબિયત?
દંગાનું ડાયેટીંગ?
નિષ્ણાતો નાકામિયાબ?
તો પછી બોલાવો ગોળમેજી.
ટેબલ પર મૂકો નગરનો ચાળણી સરખો દેહ.
અશ્રુવાયુનો એકડો,
બેયોનેટનો બગડો,
કરફ્યુનો કક્કો,
સ્ટેબિંગ નો સગો.
દબાવો દુખતી તમામ રગો.
ચીમનીનો બંધ ધૂણો,
બેકારીનો ખૂણો,
ગરીબીની ગૂણો,
જલાવો બૂઝાતી તમામ શગો.
ખવીસના ખૂનમાં ડુબાડી દો નગરની નિદ્રાને,
સાક્ષરોની તંદ્રાને,
બુદ્ધિની અનીદ્રાને.
ભૂતકાળનું ભૂસું ભૂલી
ઉગારો વર્તમાનને.
નહીંતર ભવિષ્યનો નિરક્ષર ખવીસ...
Tuesday, August 2, 2011
દીનદયાળ ચૂર્ણ
બિનસાંપ્રદાયિકતાની કબજિયાત થાય, તો
અમારી કંપનીનું
દીનદયાળ ચૂર્ણ ખાવ.
હિન્દુત્વનો સરસ મજાનો રેચ થશે.
સર્વ રોગહર,સર્વ દુ:ખહર
પરમહિતકારી આ ચૂર્ણ
વેદ પ્રમાણિત છે,
શ્રુતિ,સ્મૃતિ,ઉપનિષદ આધારિત છે.
અમારી કંપનીએ
આ યોગ
સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી
હજાર મણ માનવરક્તનો પુટ આપીને
તૈયાર કર્યો છે.
આમ તો
આ અનુભૂત યોગ
વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં
નરણે કોઠે વિશેષ ફળદાયી છે.
પરંતુ તેને ઓછી માત્રામાં લેવાથી
જાતિભેદના જીવાણુ અને
વર્ગીય અસમાનતાના વિષાણુ
મરતા નથી
એટલે એનો પુષ્કળ માત્રામાં પ્રયોગ કરવો.
તેના સેવન સમયે
રક્તપાત, બોમ્બ ધડાકા, શિયળભંગ
જેવા ક્ષણિક ઉત્પાતો થશે.
પરંતુ અંતે સિસ્ટમ નિરામય થશે.
ગરીબી, બેકારી, ભૂખમરો જેવાં
વ્યાધિ ભૂલાઈ જશે.
મારી વાત સાંભળીને તમે હસો છો?
આ કોઈ પક્ષનો ચૂંટણી ઢંઢેરો નથી.
અમારી સદીઓ જૂની
અને હવે તો વૈશ્વિક બનેલી
કંપનીના આક્રમક માર્કેટીંગની
આ ફળશ્રુતિ છે.
અમારી કંપની ભલે નાસ્ડાકમાં લિસ્ટેડ નથી.
ભારતીય શેર બજારની રૂખ
અમારા હાથમાં છે.
ચીફ મિનિસ્ટર મટીરીયલ
ફરી એકવાર એક ટોળુંચાર રસ્તા વચ્ચે એકઠું થયું.
‘મારો,કાપો’ નાં અવાજો વચ્ચે
રગોમાં ગરમ ખૂન દોડતું થયું.
કોકનાં કપાળે ટીલાં હતાં
તો કોકનાં હાથમાં ભલા હતાં.
કોક હતાં બેકાર, એમના
ચહેરા સાવ વીલાં હતાં.
આમ તો ખિસ્સાં એમનાં ખાલી હતાં
પરતું એમાં ગંધક, પાવડર અને ખીલા હતાં.
ટોળાનો એક મોવડી હતો,
હાથમાં એનાં મોબાઈલ ફોન હતો,
સામા છેડે ગાંધીનગરનો ડોન હતો.
અચાનક એક ઇસમ ત્યાંથી પસાર થયો.
એના ચહેરા પર દાઢી હતી.
એને જોતાં વેંત સૌએ ફટાક ગુપ્તીઓ કાઢી હતી.
ટોળાએ ઇસમને ઘેરી લીધો.
એકે પકડ્યો હાથ
તો બીજાએ ઝાલ્યો પગ
એકે શર્ટ ફાડ્યું
તો બીજાએ ખેંચ્યું પેન્ટ.
ટીંગાટોળી કરીને લાવ્યા
ઇસમને ચાર રસ્તા વચ્ચે.
અધમૂઆ ઇસમનું
ગયું ભાન અધવચ્ચે.
પછી ઠલવાયું પેટ્રોલ ધડ ધડ ધડાટ.
કીકીયારી કરતુ ટોળું હસ્યું ખડખડાટ.
લાવો દિવાસળી, બાકસ,
‘સળગાવો સાલાને, જો જો છટકી ન જાય.’
મોવડી ઉતાવળા સાદે બોલતો જાય.
એક દિવાસળી સળગી,
બીજી.ત્રીજી,ચોથી...
આખું બાકસ થઇ ગયું ખાલી.
ઇસમ કઈ માટીનો હતો?
જ્વલનશીલ પદાર્થ પણ સળગતો નહોતો.
ટોળું ઘડીક વાર વિચારે ચડ્યું.
(આવું થાય ત્યારે ભલભલું ટોળું પણ વિચારે છે એની તમને ખબર છે?)
મોવડીએ મોબાઈલ પર માલિકોને અજાયબ ઘટનાની ખબર આપી.
આવ્યો આદેશ તત્કાળ સામેથી:
‘ઇસમનું બોડી ચેક અપ કરાવો ફોરેન્સીક લેબોરેટરીમાં.’
રીપોર્ટ આવ્યો ચોવીસ કલાકમાં.
ટોળું ભેગું થઇ ગયું જોતજોતામાં.
એનાં ચહેરા પર સ્તબ્ધતા હતી.
ઇસમ વિશે જાણવાની આતુરતા હતી.
રીપોર્ટમાં હતું માત્ર એક લીટીનું લખાણ
સદરહુ ઇસમની સાચી ઓળખાણ:
‘એને પાંચ કિલો આર.ડી.એક્સથી ફૂંકી મારો.
એ ચીફ મિનિસ્ટર મટીરીયલ છે.’
ભગતસિંહ
ભગતસિંહ!
બહુ ઓછા ભગત જોયા છે
સિંહ જેવા,
ભગતસિંહ જેવા.
મારો ગુજ્જુ ઓળખે છે એક નરસિંહ ભગતને
હાથમાં લઇ તંબૂરો
વાલ્મીકિવાસમાં જનારા
ગાંડાઘેલા ગ્રુહસ્થને.
એ સિવાય ગુજ્જુ રસધારમાં
ખારાપાટની બંજર જમીન બચી છે.
એણે રેતીના ઢૂવા પર અસ્મિતાની અટ્ટાલિકા રચી છે.
ભગતસિંહ!
અસ્પ્રુશ્યતાના અરણ્યસમા ગુર્જરદેશમાં
વરૂ વકરતાં ગયાં છે,
સિંહ નિર્વંશ થયા છે,
બચ્યા ખુચ્યા બકરી બનીને
અહિંસક લક્ષ્મણરેખામાં બંધાઇ ગયા છે.
ઘોળતા રહ્યા છે સર્વધર્મસમભાવનું અફીણ
ને ચાટતા રહ્યા છે બિનસામ્પ્રદાયિકતાનું ફીણ.
ભગતસિંહ!
1932માં લોર્ડ ઇરવીન સાથે થયેલો પેક્ટ
દિલ્હીના દરબારીઓને પચી ગયો છે.
પણ, જનતાના અંગેઅંગ પર એના ફોલ્લા ઉઠ્યા છે.
ઓપરેશન બ્લ્યુસ્ટાર.
ભોપલ ત્રાસદી.
અરવલ મેસેકર.
બોફોર્સ-ફેરફેક્સ.
ખબર નથી, કોણ કરે છે રાજ?
અંકલ શૅમ?
અંકલ શોર્ગાચોવ?
કે પછી અંકલ એક્સ?
ભગતસિંહ!
હવે સર્વધર્મસમભાવનો સોનેરી ચળકાટ ઝાંખો પડી ગયો છે.
સર્વધર્મકોમવાદનો કરપીણ રંગ ઉઘડી રહ્યો છે.
કેસરી ટોપી, લીલું જાકીટ, વાદળી ફેંટો,સફેદ કોટ
એકબીજાનાં કપડાં ઉતારીને બિલકુલ નગ્ન થઇ ચૂક્યાં છે,
હોમો સેપિયંસના આદમખોર પૂર્વજની અદ્દલ આવ્રુત્તિ સમા!
ભગતસિંહ!
મૂડીવાદી મરઘટમાં સેંકડો માનવકલાક બળીને ભસ્મ થઇ ગયા.
કોમી હુલ્લડોમાં ઘણું નિર્દોષ લોહી નિરપરાધ વહી ગયું
ને કેટલીય આગ ઝૂંપડપટ્ટીઓને આભડી ગઇ.
હવે સાચી દિશામાં
થોડાક માનવકલાકો વપરાશે તો વેડફાશે નહીં,
થોડુંક લોહી રેડાય તો વ્યર્થ નથી,
થોડીક આગ લાગે તો વાજબી છે.
ડુક્કરોની સંસદ પર એક વિશેષ બોમ્બ ઝીંકવાનો હજુ બાકી છે.
કાન હજુ પણ બહેરા છે.
Subscribe to:
Posts (Atom)