Tuesday, August 2, 2011

આત્મકથા



એ જન્મ્યો ત્યારે આકાશમાંથી પુષ્પવ્રુષ્ટિ નહોતી થઇ.
ન તો એની માતાએ સ્વપ્નમાં કોઇ ઐરાવત જોયો.
બાળક પ્રખર વિદ્વાન બત્રીસલક્ષણો થશે
કમભાગ્યે જોષીઓ એવું કહી શક્યા નહીં.

મોટો થયો ત્યાં સુધી એ
બાપથી ડરતો રહ્યો,
શાળામાં સૌની માર ખાતો રહ્યો.
ચાની કીટલી પર બૂનિયાદી તાલિમના પાઠ શીખતો રહ્યો.
તગડા થવા માટે એને માંસ ખાવાની જરૂર પડી નહીં.

બાળપણમાં એને સુવડાવીને
સુંદર વસ્ત્રઓમાં સજ્જ એક સ્ત્રી કોક અજાણી દિશામાં જતી રહી.
મારી મા ધાર્મિક હતી એ દોસ્તોને વારંવાર કહેતો.

બિલાડી મીલ બંધ પડી ને એનો બાપ
ધોબીઘાટ જતી ભીડમાં ચૂપચાપ ઓગળી ગયો.
એક સવારે કાંકરિયામાં એની સડેલી લાશ તરતી હતી.

કાગળ વીણતી પત્નીની કમાણીમાંથી ખરીદેલી બીડીના ધૂમાડામાં
બેકારીના દિવસો બુઝાઇ ગયા.
પોતે મહાભિનિષ્ક્રમણ કરી શક્યો નહીં.

એક માઝમરાતે કપાળે કાળીભમ્મર ડાઇના ડાઘા
ને ભરેલું ગજવું લઇને એક ઇસમ આવ્યો.
એની બૈરીએ નાતરું કર્યું હતું.
ભીની આંખો પર સૂકી જીભ ફેરવીને એ ભઠિયાર ગલીમાં ગયો
બારાહાંડાની ચાંપ પેટ ભરીને ખાધી.

આથમતા સૂરજે ફૂટપાથ પર અથડાતાં કૂટાતા
એની આંખમાં પ્રવેશ કર્યો.
એક ભિખારીની લાશ પાસે શેરીનો કુતરો 
આખી રાત રડતો રહ્યો.

જિંદગીએ અગણિત પ્રયોગો એની જાત કર્યા.
એ સત્યના હતા કે અસત્યના કોઇને એની ખબર નથી.

No comments:

Post a Comment