Tuesday, August 2, 2011

તર્પણ



આજે એ લોકોએ
શંબુકના વંશજોને
હાથમાં આરતી ઝલાવીને
દિલ્હી દરવાજે ઉભા કરી દીધા છે,
મલેચ્છોને સંહારવા નીકળેલી
રામજાનકીરથયાત્રાનું સ્વાગત કરવા માટે.
પાછળ,
એક્લવ્યના વંશજોનું ચડીયારું
તીરભાલા લઇને ખડેપગે ઉભું છે
શબરીના એંઠા ઇતિહાસનું રક્ષણ કરવા માટે.
ત્યારે
ભદ્રકાળીના મંદિરે
તૈયાર થેલા વેચતો દાઉદ મનસુરી
ટેલિવિઝન પર પુત્રની ફરજો વિષે
ભાષણ આપતા રામને નિહાળીને
પોતાની જાતને પૂછે છે:
અનામતનાં હુલ્લડો વખતે
રૂના ગોદડા સાથે
જીવતા બાળી કૂટાયેલા
મારા બાપનું તર્પણ કઇ રીતે કરું?

No comments:

Post a Comment