Tuesday, August 2, 2011

મિડાસ
















રાજા મિડાસને મળ્યું
દુર્લભ એક વરદાન,
અડકે જેને હાથથી
સોનું થાય તમામ...1

અડક્યા વિના ન ચાલે
ને અડકે તો મહાત્રાસ,
મિડાસની આ દ્વિધાનો
ઇલાજ મળે ના ખાસ...2

અડતાંઅડતાં ત્રાસીને
મિડાસે પાડી ચીસ,
આ કેવું વરદાન છે
જાવું હવે કઇ દિશ?..3

વરદાનોની રીત છે
વરદાન કરાવે વેઠ,
ગામેગામ અથડાતો
એ ગાંડાની પેઠ....4

ફરતાંફરતાં એક દી
આવ્યો એવા ગામ,
પાણી પાતાં જ્યાં પૂછે
નામ, ઠામ ને કામ...5

કૂવાકાંઠે પનિહારીઓ
સાંભળે તરસ્યો સાદ,
જોઇ શ્વેત મિડાસને
મચકોડે છે નાક....6

ફિરંગો છે કોક મૂઓ
જરીક ઉપરથી રેડ,
કહેતાં એક ગોરાણીની
ભીની થાતી કેડ...7

ગોરાણી થઇ પલકારામાં
સુવર્ણપુતળી  સ્તબ્ધ,
અડકે જેવો પાણીને
મિડાસ કેરો હસ્ત....8

રસ્તે જાતાં એક ભૂદેવ
જુએ દ્રશ્ય અદ્ ભૂત.
ખમચાયો ઘડી બે ઘડી
માત્મા છે કે ભૂત?...9

તોય મક્કમ મન કરી
કર્યા રાજાને પ્રણામ,
પાર બેડો કરવાને
માગ્યું એક વરદાન...10

અડક્યો હાથ મિડાસનો
બની દુ:ખદ ઘટના,
પોદળો બની પટકાયા
ભૂદેવ ક્ષણભરમાં...11

મિડાસ પડ્યો વિચારમાં
જોઇ નવું કૌતુક,
સોનાને સ્થાને પોદળો
આ શું તૂતમતૂત.!...12

વિચારમગ્ન મિડાસને
ચિંતા થઇ ક્ષણિક,
પરગામેથી આવતો
જોયો ત્યાં વણિક...13

શું કરું? અડું, ના અડું?
પોદળો થશે કે સોનું?
કેમ ભાઇ? વણિક પૂછે
કામ તમારે છે કોનું?...14

રાજવંશી મિડાસનો
જોઇ મોંઘો લિબાસ,
વણિક તણી વાણીમાં
આવી ગઇ મીઠાસ...15

જરકશી આ જામાનાં
ઉપજે કેવાં મૂલ,
એમ વિચારી અડવાની
કરી વણિકે ભૂલ...16

ને વણિક ક્ષણાર્ધમાં
બની જતો ત્યાં હિંગ,
ચમત્કાર આ જોઇને
મિડાસ થાતો દિંગ...17

આ તે કેવો મુલક છે
ચાલે ડીંગાડીંગ,
સુવર્ણથીયે કિંમતી
શું પોદળો ને હિંગ?..18

ત્યાં સામેથી આવે ઘોડું
દડ્બડ દડ્બડાટ,
દરબારી મૂછો લઇ આવે
બાપુ ધમધમાટ...19

જોઇ ઊભો મિડાસને
સાવ વચ્ચોવચ,
બાપુ બોલ્યા ચીડમાં,
કોડા, આઘો ખસ...20
વિચિત્ર મિડાસમુદ્રાથી
બગડ્યા બાપુ છેક,
નજીક જઇને ઝપ્ દઇને
ઘા લગાવ્યો એક...21

સ્પર્શ થાતાં મિડાસને
અવાજ ઊઠ્યો ખડીંગ,
મ્યાન બનીને ભોંય પર
પડતા બાપુ ભડીંગ...22

આશ્ચર્યોની પરંપરાથી
મિડાસ ત્રાસી જાય,
પોદળો, હિંગ ને મ્યાનનું
તેખડ ના સમજાય...23


પોશ, પોશ કહેતાં ત્યાં
નવતર ચીજ આવે,
કુલડી, ઝાડુ, ઝાંખરું
નવાઇ ઉપજાવે...24

માથે ભાર મેલાનો
લઘરવઘર છે દેહ,
માણસ છે કે ફાનસ
રાજાને થાય સંદેહ...25

વહવાયો છું , બાપજી,
જોડ્યા એણે હાથ.
જો જો કરતા ભૂલથી
અછૂત તણો સંગાથ...26

કોઇ અડકે મને
તો લાગે મોટું પાપ,
તમથી જુદો છે મને
બહુ વિચિત્ર શાપ....27

હરખપદુડો રાજવી
મનમાં બોલ્યો, હાશ,
અડવાની ઝંઝટ મટી
સુવર્ણપણાનો નાશ...28

પોદળો, હિંગ, મ્યાનનું
તેખડ હવે સમજાય,
છૂઆછૂતના બોધથી
કોઠા ઝળહળ થાય...29

No comments:

Post a Comment