Tuesday, August 2, 2011

હું તારી જ રાહ જોઉં છું





















હું તારી જ રાહ  જોઉં છું.
મારી ઉપેક્ષા ન કરીશ.
મુક્તિના પ્રભાતનું એકાદ કિરણ મને પણ ફાળવજે.
પાંગરી માનવસભ્યતા
પુનિત સરિતાતીરે
ત્યારની હું તારી રાહ જોઉં છું.
જ્યમ જોતી હતી એકદા
શિકારે ગયેલા મારા સાથીની.
ફેરવતાં હળવેકથી કાંસકી
ધરતીના મ્રુદુ મસ્તક પર
ક્રુષિકર્મની જન્મદાત્રી હું,
સ્વયં ધરિત્રી.
ધર્યું એકપતિવ્રત
છતાં કીધો અગ્નિપ્રવેશ.
પાંચ પતિની સંગિની
ગાળ્યો હેમાળો દેશ.
હું શુદ્રાતિશુદ્ર
પાપયોનિ
ગીતાકાર કે ભાષ્યકાર
બધે હું ખાણ નરકની.
ક્વચિત બની ગાર્ગી કે કદીક મૈત્રેયી
અહલ્યા બની હંમેશ
ખાધી ઠોકર પુરૂષની.
હું તંત્રવિજ્ઞાનની  માયા,
ગાંધર્વલોકની અપ્સરા,
ઇન્દ્રસભાનું મનોરંજન
વાત્સ્યાયનની ક્રીડામાટે થયું મારું સ્રુજન.
બંધુ, દાસ બની તેં
કરી સેવા આર્યસ્વામીની.
તવ સમીપ હું જ હતી.
અનૌરસ સંતાનોની માતા,
શુદ્ર,ક્ષુદ્ર,તુચ્છ માતા.
આજ તારાં ને મારાં સંતાનોની
નીકળી છે વિજયસવારી
રચવા એક નવું વિશ્વ સમાનતાનું
પુરૂષ સ્ત્રીના ભેદ વિનાનું.
હું ઉભી છું ખૂણામાં,
ઘરની ચાર દીવાલોમાં.
આવ, પકડ મારો હાથ.
મુક્તિની પ્રસવવેદના મને પણ ભોગવવા દે.

No comments:

Post a Comment