Tuesday, August 2, 2011

ગુજરાતી



ગામ વચાળે
હાટ માંડીને
બેઠો બાલીશ ગુજરાતી
નામ પૂછે છે
જાત પૂછે છે
કોમ ધરમના
ટીલાં ટપકાં ત્રિપુંડ સાથે
એકેક અંગની સાચ્ચી પાક્કી ઓળખાણ સૂંઘે છે.
પણ રાત વહે છે,
મોંસૂઝણાનો મહિમા ગાતી રાત વહે છે.
કે પૂર્વ દિશામાં પ્હો ફાટતાં
અંબાજી રૂમઝુમ પધારે
અતીત કિનારે ધારીકાનગરી
સુવર્ણમય થઇ ગાવે
રામરાજ્યનો રસ રેલાવતા
માત્મા પોરબંદર પધારે
દસે દિશાના દિકપાળો
તુર્ત જ કેકારવમાં કૂજે.
વાહ , શો તાલ બેઠો છે!
ગામ વચાળે
જનોઇ પહેરી
બેઠો બામણ ગુજરાતી
નિરુદ્દેશે આજલગ જેણે
નેપથ્યભ્રમણ કીધું.
રસધારની ભ્રમણામાં સાવ જ
અવાવરુ કૈં પીધું.
પરધરતીના પવન પીધેલું
એબ્સર્ડીયું જે લીધું
ટેંકત ફેંકત ભાષા ભસતું
સીધું સાવ સડેલું.
તોય નિજાનંદ, મસ્તમિજાજી
ગુજરાતી હસે છે.
બ્રિટીશ ઇંડીયાનું બેજોડ મ્યુઝિયમ
અમે તો અહીં સર્જેલું.
હળ ફેરવેલાં અગરોનાં
ને કિચડૂક ટેંકો ધકેલી
તારાજ કરી તેલંગણાને
ખરી સરદારી કરેલી,
ભારત માના લઘર મસ્તકે
છોગું કેવું મૂકેલું!
ગામ વચાળે
જાત વેચીને
બેઠો મક્કાર ગુજરાતી.
મખ્ખીચૂસ
બડો કંજૂસ
દોકડા પીછે પડેલો
દેશ દેશાવર વેપલો કીધો
પીતો લોહી પસીનો
(તાણે છે કેવો સીનો!)
છોટું જન છે લોક સઘળું,
ભદ્રતાવિહોણું,
સંસ્કારવિહોણું,
શીલવિહોણું.
છટ ! તામસી ઉત્પાતિયું પાછું.
બોલે મહાજન કમીનો
તરત દાન ને મહાપુણ્યના
પરમારથમાં  ભીનો.
ગામ વચાળે
લાત ખાઇને
બેઠો બાઘો ગુજરાતી.
નીરખ્ય કરે દિનરાત
જાણે જન્મજાત છે કાણો
મુરલીવાળો કે બકરીવાળો
મોહનને પકડી આણો,
ધાડ પડી ધરમના માથે
નહીં રહું હવે હું શાણો,
ગુજરાતીની વાત કરું
પણ બિરાદરી પરથમ જાણો.
ગામ વચાળે
જાત પૂછીને
બેઠો નાચીઝ  ગુજરાતી

રાંડીરાંડ  છોય ભાષા અમારી
સંસ્કૃતમાંથી આવી
વાનરમાંથી પુચ્છ્ વિહોણી
માનવજાતિ આવી.
પાછાં ડગલાં ભરવા છો ને
મુશ્કેલ હવે જણાતા
ધરમ, કરમ ને ભાષા ભરમના
તાણા અહીં વણાતા.
ગામ વચાળે
ગાંડ વગરનો
લોટો એક
        દડ દડ ....
              દડ દડ...
                     દદડતો....

No comments:

Post a Comment