Tuesday, August 2, 2011

પાંજરાપોળ


સ્વાતંત્ર્ય દિન!
ઝંડા નીચે કતારબંધ ઉભા રહેશે
મરવાના વાંકે જીવતાં તમામ ખોડાં ઢોર.
ઝીલશે સૈનિકોની કંટાળાજનક સલામી
હસ્તધૂનન કરતા ચમકતા ચહેરાવાળા ગોવાળિયા
ખોડાં ઢોરોની આંખોમાં ટપકતી હતાશાને
ફટકારશે દેશભક્તિનો ચાબૂક.
ફીટકારશે એમની વંશપરંપરાગત પાંજરાપોળોને
ધ્વસ્ત કરવા મથતા નિર્દયી દુશ્મનોને.
વાયુપ્રવચનોનો ઝેરી ગેસ ફરી વળશે આજાર મેટ્રોપોલિસ પર.
સાગરના તળિયે જતી સબમરીનો,
બરફીલા પ્રદેશો ખૂંદતી તોપો,
એકી સાથે ભાંભરશે આવનારા યુદ્ધજ્વરનો સ્વર.
ધીરેધીરે ખોડાં ઢોર પાછં ફરશે બરાકોમાં,
બુલડોઝર નીચે કણસતી ઝુંપડપટ્ટીઓમાં.
ખાણિયાઓની ચીસો દફનાવતી કોલસાની કાળકોટડીમાં,
ગેસગળતરથી સડતા ક્ષયગ્રસ્ત ફેફસામાં,
અવાવરૂ તળાવોમાં આપઘાત કરતી કાપડની મિલોમાં.

No comments:

Post a Comment