Tuesday, August 2, 2011

બાળક


ક્યારનો ચૂપચાપ
એની બાળસહજ ચેષ્ટાઓ
નિરખ્યા કરું છું!
ક્યારેક એ હસી પડે છે રડતાંરડતાં,
તો ક્યારેક હસતાંહસતાં રડી પડે છે.
ક્યારેક એ ઊંઘી જાય છે બેઠાંબેઠાં,
તો ક્યારેક ઊંઘમાંથી બેઠો થઇ જાય છે.
ક્યારેક ઉપર ચડવા માટે બનાવે છે મારી પીઠને પગથિયું.
તો ક્યારેક મને નીચો પાડવા લટ્ટી પણ મારે છે.
ક્યારેક ક્યારેક
નાકમાંથી રગડતા રેંટના રેલા ઉપર
મસ્તીથી જીભ ફેરવતા બાળક જેવી ખુશાલી
છલકાય છે એના નિસ્તેજ ચહેર પર,
જ્યારે એ મને ઢેડ કહીને બોલાવે છે.
કદાચ પોતાની જ વિષ્ટામાં
આંગળીઓ ફેરવતા બાળકથી પણ વિશેષ આનંદ
એ સમયે એને આવતો હશે.
મને ખબર નથી.
એટલું જરૂર જાણું છું,
એને સુધારવાના મારા તમામ પ્રયત્નો સામે
એ જબરજસ્ત બંડ પોકારે છે.
બસ, એમ જ,
જે રીતે પેલું બાળક
પોતાની ચડ્ડી ખૂણામાં ફગાવીને
ચાલ્યું જાય છે ઘરની બહાર
પગ પછાડીને રોષભેર!

No comments:

Post a Comment