Tuesday, August 2, 2011

અફીણના બંધાણીનું ગીત



અફીણ પાછું સોને મઢ્યું
અફીણ પાછું ચંદન ઘસ્યું
ઘસતાં, ઘસતાં, ઘસતાં કેવી ગંધ બની
અંધ બન્યું કૈં લોક કરીને બંધ અડાણી આંખો
આંખોમાંથી ટપકે આંસુ, વાલમ , વેલા ઘેર આવો
પાંપણ પહોળી છલકાતી, દીન દયાળુ ઘેર આવો.
જન્મ ધરીને, કર્મ કરીને પસ્તાયા, આ મનખાદેહ લજવાયા
ઊંટ, આખલા, બળદ, ગધેડા, રીક્ષા, મોટર, સ્કુટર
પવનપાવડી પર ચડીને વાલમ વેલા ઘેર આવો.
ઘર અમારું બઉ ગંધીલું ગમ્મત થાશે વ્હાલા
સિમેંટ, કાંકરેટ,ચૂનો પડતર કાળાબજારથી લાયા
થાગડથીગડ શણિયા છત્તર છજિયામાં ઠલવાયાં.
બારે ખાંગા મેઘ થયા અમે રાતભર ભીંજવાયા
ભીંજાય અમારાં ભૂલકાં વાલમ, ભીંજાય અમારી ભત્રી
બિલાડી મિલના સાંચે , વાલમ, ઊંઘ સવારે ચડતી
ઊંઘ બરાબર ચડતી તોયે કામ કરાવે પત્તી
પત્તી માટે અળગી કીધી ઊંઘ, થાકે અંગ, કળતર થોડું થોડું
તોયે રાત પડેને દોડું, પાછો દિવસ ઉગે ને દોડું
દોડું, દોડું, દોડું સાથએ દુનિયા આખી દોડે
દુનિયા છે બહુ ડાહી, વાલમ, ફંદામાં કૈં ફુલે
ફંદાની તો શું વાત કરું હું વાત?
ફંદાના ઘા બહુ મીઠા મોરા વાલમા
રુદિયામાં આ નફાતોટા વાલમા
રૂપિયામાં આ ડૂબ્યા મોટા વાલમા
રોકડામાં લઇ પુન મોટા વાલમા
પુન પાછળ ધન છે,
વીર તને ધન્ન છે.
રૂપિયા લાવો તો પૂજિયે
અમને પુન કમાતાં ન આવડે
કામગીરી ભૈ કામગીરી, પુનની આ જામગરી
જતાં જતાં ફોડતા જાવ
ફૂટે તો એ ફોડતા જાવ
ફૂટે નહીં તો ફેંકતા જાવ, બીજા ભવમાં ફોડી લેજો.
ભજી મારા વાલમને બંધન ભવનાં તોડી લેજો.

No comments:

Post a Comment