Tuesday, August 2, 2011

શંબુક


એક નાનીશી ચાલમાં
મજદૂરોની વસ્તી,
મચ્છરોથી પણ ઘણી
જિંદગી જ્યાં સસ્તી...1

હબસી જેવો રંગ લઇ
ત્યાં જન્મે શંબુકરાય,
ખોલીનું ખલ-અંધારું
ઝળાંહળાં કૈ થાય...2

ટી.બી. થાતાં બાપનો
મિલમાં પડતો દેહ,
દેવાના ડુંગર ઉપર
સળગી એની ચેહ...3

રેલગાડીનો કોલસો
માતા વીણવા જાય,
છૈયાના શિક્ષણ માટે
પાટા બાંધી ખાય...4

ગભાણ જેવી શાળામાં
મહેતો ખેંચે કાન,
ઢગલી કરતાં ધૂળની
શંબુક શોધે ગ્નાન...5
ઉપર પંખી આભમાં
ઉડતું જોઇ એક,
ઊંચાઇ એની પામવા
કરે મનસૂબો નેક...6

એમ કરતાં એક દી
બની ગયો એ સ્નાતક,
રડતી માની આંખમાં
ઝંપે પળભર ચાતક...7

માના પગની ધૂળ લૈ
ઇંન્ટરવ્યૂ રોજ આપે.
પ્રોફેસરની નોકરી
મેળવતાં વાર લાગે...8

મોટીમસ કોલેજ્ના
મોટામસ દરવાજા,
વિધ્યાર્થીનાં દિલ જીતી
બની બેઠો એ રાજા...9

વિદ્યાના વર્તુળ મહીં
ચોફેર એની ધાક,
શુદ્રતાના સ્પર્શથી
સરસ્વતી થૈ પાક...10

પણ સમય શંબુકનો
આવે કપરો વિશેષ,
માંડે ફેણ ભોરીંગો
જીવતા થાય અવશેષ...11

ભરબપોરે કોલેજ કેરા
દરવાજે થઇ ભીડ,
પ્રુચ્છા  કરતાં લોકના
ચહેરે ચમકી ચીડ....12

એવામાં શંબુકતણું
ત્યાં થયું આગમન,
પેલો બી.સી.ઢેડો જાય
કોકે કાઢ્યાં વચન...13

શું મેધાવી માણસ છે
એકે ગભરાતાં કહ્યું,
સાલ્લા, ડફોળશંખ
કહી ટોળું ફરી વળ્યું...14

મેરીટ અમારી માત છે
એફીસીયંસી બાપ,
અમને નડતી અનામતો
ભીષણ એનો શાપ...15

શંબુકની કેબિન પાસે
ઝીંકે શબ્દનાં બાણ,
ટોળું ખેંચે જોસથી
તંગ મગજની વા..16

ગુસ્સામાં શંબુકતણી
આંખે ફૂટી રતાશ,
કેવી છે આ નાતજાત
કેવો છે આ ત્રાસ...17

ઢળતી સાંજે ઘર તરફ
કદમ પડે ચૂપચાપ,
ઊંઘવિહોણી આંખમાં
અતીતના સંતાપ...18

ચાલી કેરા ચોકમાં
શંબુક સરકી જાય,
ધૂળની ઢગલી વચ્ચે
પાછો બેસી જાય...19

ક્યાં હતો? શું થઇ ગયો?
ખાધી ક્યમ પછડાટ?
સમસ્યાનું એક નવું
વિશ્વ ખૂલ્યું વિરાટ...20

વિચારોમાં ગુંચવાતો
નિશદિન જાય કોલેજ,
વિષય શીખવવો પડે
કાસ્ટીઝમ ઇન વિલેજ...21

ચાલુ વર્ગે એકવાર
થઇ ગઇ ગફલત,
દલિતબાંધવો તણી
કરી જરી વકાલત...22

બંધ રાજકારણ કરો
ઊઠ્યા મોટા સૂર,
ડૂબાડી દેવા શંબુકને
ઉમટ્યાં ભારે પૂર...23

હોંકારા પડકારા વચ્ચે
મેણાંટોણાંનો માર,
છોભીલા શંબુકને
થૈ વેદના અપાર...24

ફોન આવતો મધરાતે
કાઢે ભૂંડી ગાળ,
બહુ ફાટ્યો છ , ઢેડા,
ભમ્યો શું તારો કાળ?..25

રોજ કાંકરીચાળો
ક્વચિત ટપલીદાવ,
પ્રોફેસરના હ્ર્દયનો
ઘેરો થતો ઘાવ...26

સ્ટાફ  રૂમનું ઘેરું મૌન
પાછળ ઘુસપુસ વાતો,
કોક અજાણ્યા ત્રાસથી
પડખાં ઘસતી રાતો...27


મોડીરાતે એકવાર
જીવ ઊંઘમાં ઘૂંટાય,
ક્ષયગ્રસ્ત બાપની
સ્મ્રુતિ સળવળ થાય...28

શૂન્યમનસ્ક ચિત્તમાં
સમય થાય સ્થગિત,
સહર જેવા કંઠમાં
ધ્રૂસ્કાંનું સંગીત...29

દર્દ ઝીણુંઝીણું ત્યાં
છાતીમહીં ઉપડે,
વિધ્યાવ્યાસંગી તણું
શરીર ઠંડુ પડે...30

અલવિદા, હે જગત! 
કહેતાં શ્વાસ મૂકે.
શમી ગયા સૌ સંતાપો 
મ્રુત્યુની એક ફૂંકે....31

No comments:

Post a Comment