Tuesday, August 2, 2011

કવિતા લખવી એટલી સરળ નથી


કવિતા લખવી સાવ સરળ છે
મારા માટે.
એ એમ જ આવે છે ઉડીને
મારી વાલુડીના સ્વપ્નમાં આવતી એકાકી પરીની જેમ.
મને કોઇ વાસી રોમાંચ થતો નથી  એ વખતે
વીડીયો પર ટકટકીને  બ્લ્યુ ફિલ્મ જોતા આળસુનબીરા જેવો
કે પછી કવિની ભાષામાં કહું તો
ફૂટપાથની ધારે  પડેલા ગૂ પર બણબણતી માખી જેવો.
હા, એ આવે છે ત્યારે
થાય છે જરૂર એવો અનુભવ
ગીચોગીચ ચાલીની ખીચોખીચ ઓરડીમાં
ગૂંગળાતા સમયને ક્વચિત  જ સાંપડતી
તાજી હવાના સ્પર્શનો.
જોકે ક્યારેક મારે ગોઠવવા પડે છે મારા બેબાકળા વિચારોને
પવનમાં ઉડાઉડ કરતા પસ્તીના કાગળોને
કાળજીપૂર્વક વીણતી સ્ત્રીઓ જેવી જ મમતાથી.
બેઠી હોય છે જ્યમ હંમેશ ધરીને આશા ઉરમાં
સાંજના વાળુની ફિકરમાં.
એથીય વિશેષ એ ચિંતામાં
રખેને તાણી જાય એની મહેનતની કમાણી
ક્યારનો ખૂણામાં ઘોરતો જંગલી દારૂડિયો પરમેશ્વર.
એમ જ અભાનપણે
હું રાહ જોઉં છું કવિતામાં
મારા ઇતિહાસના વીરનાયકોની, પ્રતાપી પૂર્વજોની.
ચિંતાગ્રસ્ત હોઉં છું એ જ સમયે
રસ્તા પર જતી પ્રત્યેક મોબાઇલની તીણી સાયરનથી
દરવાજે પડતા ટકોરા સાંભળીને
મારી છેલ્લી હસ્તપ્રતો મારા શરીરમાં સંતાડવાની નિરર્થક ચેષ્ટા કરું છું.
ત્યારે સમજાય છે
કવિતા લખવી એટલી સરળ નથી મારા માટે.

No comments:

Post a Comment