Tuesday, August 2, 2011

હું મારા બાપનું બી



હું મારા બાપનું બી,
નથી નિયોગની પેદાશ
કે ના દેવોની કામેચ્છાનો કરૂણ અંજામ
પાયસપાનથી જન્મેલો રામ
મારી વંશાવળીમાં સાવ જ અજાણ્યું નામ.
હું મારા બાપનું બી.

ધરતી જેવી સહજતાથી ધર્યો મારી માએ મારો પિંડ
ને પ્રસવ્યો પ્રક્રુતિની પ્રામાણિકતાથી મુજ દેહ,
ના કોઇ ગૂઢ રહસ્ય, ના કોઇ સંદેહ.
હું મારા બાપનું બી.


ગુલામીની સાંકળની વિશેષ કડી?
ના, રક્તસંબંધોથીય વિશેષ પોલાદી વિચારોની વજ્રછડી.
મનોજગત મારું ઘડાયું જેના પ્રહારો થકી
એવી પરંપરાનો મશાલચી.

હું નથી ફક્ત મારા બાપનું બી.
હું નથી ફક્ત મારા બાપનું બી.
હું નથી ફક્ત મારા બાપનું બી.

No comments:

Post a Comment