Tuesday, August 2, 2011

શોધ




એટલે તો અમે કહીએ છીએ ભૈ
આ ઢેડાઓ કોઇ કાળે માને નૈ
એમને તો કરવા જ પડે સીધાદોર
એ તો આખાયે મલકના ચોર.
જુઓ કેવી મહાન, શીલવંતી છે સંસ્ક્રુતિ આપણી
જ્યાં નિયોગ જેવી પ્રથાથી જીવનના નાજુક પ્રશ્નો ઉકેલાય
રૂડો રૂપાળો ભારતવર્ષ  શાણા સાધુસંતોનો
જ્યાં પોદળો પણ પવિત્ર
નાગ, સાપ, ગાય, બળદ, ઘેટાં, બકરાં...
આપણે તો બધાયને પૂજીએ પ્રેમથી
એમાં આ નૂગરાં ને નાલાયક,
ગયા જનમના  પાપી,
કૂતરાં, બિલાડા, ઘોડા, ગધેડાથી પણ હલકટ,
નીચી વરણના લોક.
આપણી ચંદન જેવી કાયાને અભડાવે
આપણી રહીસહી આચારશુદ્ધિને  ઠેબે ચઢાવે
એમને કોઇ ના રોકે, કોઇ ના ટોકે
કાળો કાયદો પાછો એમને ઢેડા કહેતા પણ અટકાવે.
કેવો હડહડતો અન્યાય!
વાણીસ્વાતંત્ર્યને માથે મીંડું મૂકયું આ વંઠેલી વરણશંકરે
શો કળજગ  આવ્યો છ ન!

આપણે તો રહ્યાં ભલાં, ભોળાં ને ભાવિક,
નહાવું શું ને નીચોવવું શું?
બહુ થાય તો બારણાં બંધ કરીએ,
કે છાપાની ચીંદરડીમાં મીઠા ગોળે વખ ઘોળીએ,
બની શકે તો કોથળામાં પાંચશેરી મારીએ
અને એ પણ ખરું ને કે
આગળ ઓળખીતી અટક હોય
હોય પાછળ બાપનું નામ
( વિચારવાયુ બહુ થાય તો જોઇએ
બ્લડ ગ્રૂપના કોઠા તમામ,
કે ચાટલામાં થોબડાને લટકાવી જોઇએ,
કઇ કઇ વાતો વિરોધી ને કઇ કઇ સમાન?)
એથી વિશેષ આગળનું હોય આપણને જ્ઞાન?
છે ને સુખભર્યું સજ્જનો આપણું અજ્ઞાન?

No comments:

Post a Comment