Tuesday, August 2, 2011

માનવભક્ષી નગર




માનવભક્ષી આ નગરની
નાગચૂડ છે રાક્ષસી.
તોડ  એને તોડી શકે તો
પોલ ખોલ એની
ખોલી શકે તો.
પણ એ પહેલાં ચકાસી લેજે
તારી જાતને
ક્યાંક તું પોતે તો નથીને
હવા ભરેલો ફુગ્ગો.
ટાંકણી વાગતાં ટેંશનની
ફસકી જાય ફસ દઇને
ચીસાચીસ કરી મૂકે
વગરવિચાર્યે અગ્નિસ્નાન કરતાં માનવપ્રાણીની જેમ.
અસંબદ્ધ પ્રલાપો,
બીકણ વાણીવિલાસો,
ગભરૂ અંગચેષ્ટાઓ,
ઘણુંબધું આવશે ધસમસતા પૂરની પેઠે.
તર
તરી શકે તો.
તળિયે જા
બની શકે તો.
મરજીવા બન્યા વિના
મોતી હાથ લાગવાનું નથી.
માનવભક્ષી આ નગરની
નાગચૂડ છે રાક્ષસી.
તોડ  એને તોડી શકે તો
પોલ ખોલ એની
ખોલી શકે તો.
માનવભક્ષી
આ નગરની
નાગચૂડ છે રાક્ષસી.
એની સાંકળના ઘડવૈયા પાસે
માત્ર મામૂલી ઇન્દ્રિયો જ નથી.
એમની પાસે છે
હળાહળ વિચારધારાઓ.
તકવાદનું ઝેર આપીને
અંગો શિથિલ કરે છે
પછી સંતુલન ગુમાવતા શિકારની
કાપી નાખે છે
ક્રૂરતાથી પાંખો.
એમની પાસે છે
જાલિમ જાસૂસો.
પીવડાવી નફરતનું ઝેર
ઉત્તેજિત કરે છે માણસને.
પછી એકલવાયા
અસલામતીની લાગણી અનુભવતા
એકાકીજણ પર મારે છે ખૂની હથોડો.
મસળી નાખે છે
એનું નાનું મગજ, ચેતાતંત્ર
અને સઘળી સંવેદનાઓ.
એમની પાસે છે
પ્રગતિશીલ બુદ્ધિજીવીઓ.
શોષણના આંતરડામાં મોજથી ઉછરતા બેક્ટેરિયા જેવા.
મૂડી, શોષણ, દમન, નાગરિક અધિકાર
એમના સંશોધનના વિષય છે અપાર.
રાત્રે ડેવલપમેન્ટલ સ્કીમ
ઘડે છે સરકારી,
દિવસે ડાઇનીંગ ટેબલ પર
નિરાંતે જમે છે
ક્રાંતિની કલરફૂલ તરકારી.
પણ જોજે રોગના નિદાનમાં
થાપ ન ખવાય.


માનવભક્ષી
આ નગરની
નાગચૂડ છે રાક્ષસી.
હુલ્લડ ફાટી નીકળતાં,
ચમકતી તલવારો.
છર, અસ્ત્રા, સળગતા કાકડા
બલ્બ એસિડના
કે પેટ્રોલ, ડિઝલ, કેરોસીનના.
હોત માત્ર એટલાં જ હથિયાર
તો પહોંચી  વળત
કૉમ્બીંગ ઑપરેશનના એકાદ નાટકથી.
ભીનું સંકેલાઇ જાત
પણ
નાગચૂડ નથી નાની
માનવભક્ષી આ નગરની.
વચ્ચોવચ ઉભેલી આ સીદી સૈયદની જાળી
કે ઝૂલતા મિનારા
દરવાજા બહાર હઠીસીંગનાં દેરાં
કે હનુમાન કોઇ અખાડાના,
ભાવવિહીન જગન્નાથ
કે અપાહીજ રામજાનકી,
એ તો છે માત્ર માટીનાં પૂતળાં
કઠપૂતળી જેવાં સાવ બિચ્ચારાં!
એમનો દોર છે ત્યાં પાટનગરમાં,
ઍરકંડીશંડ મહાલયોમાં
રમતી,જમતી, આળોટતી ઉધાઇઓના પેટમાં
ફાઇલો નથી જતી
આપણાં ધન, ધાન, ખૂન, પસીનો
બધું જ સ્વાહા થાય છે.
એમને તકરાર નથી
સ્કાઇસ્ક્રેપરો,
ફાઇવ સ્ટારો,
મારુતી, હોંડા ને જમ્બો જેટ સામે.
એમનો પ્રશ્નાર્થ છે
ત્યાં ઝૂંપડપટ્ટીમાં પનપતા
વિચારોના નવા પ્રાણવાયુ સામે.
પ્રથમ તો એ
પ્રાણવાયુ સામે હેરતથી જુએ છે.
અસ્તિત્વના અણનમ પડકારથી
ગભરાટ્માં ધ્રૂજે છે
વિચારે છે
મસળી નાખ્યું તો ય
આ તણખલું વારંવાર કેમ  ઉગે છે?

માનવભક્ષી આ નગરની
નાગચૂડ છે રાક્ષસી.
તોડ  એને તોડી શકે તો
પોલ ખોલ એની
ખોલી શકે તો.
તળિયે જા
બની શકે તો.
ડરતો નહીં
અંધકારથી,
વિચિત્ર ભય, ત્રાસની બીકથી.
તારા લોહીના એકેક બુંદમાંથી
હજારો મરજીવા પેદા થશે.

No comments:

Post a Comment